top of page

સ્તનપાન ની સાચી પદ્ધતિ

Updated: Dec 26, 2020

સ્તનપાનની વૈજ્ઞાનિક પધ્ધતિ

સ્તનપાન નવજાત શિશુની મુખ્ય આવશ્યકતા છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તન પાન જ કરાવવુ જોઈએ. ઉપર થી આ સિવાય કોઈ પણ અન્ય પદાર્થ કે વસ્તુ કે પાણી પણ ન આપવા જોઈએ. વળી પ્રથમ બે વર્ષમાં શિશુનો શારીરીક અને ખાસ કરી માનસિક વિકાસ પણ ખૂબ ઝડપી રીતે થશે. આવા સમયે શિશુનું પોષણ યોગ્ય રીતે થાય તે ખૂબ જરુરી છે. સ્તનપાન આ તમામ જરુરીયાતો પ્રથમ છ માસ માટે પૂરી પાડે છે.

આમ કોઈપણ નવજાત શિશુની તંદુરસ્તી અને વિકાસ નો આધાર પ્રથમ છ માસ માં સફળ સ્તનપાન પર જ છે. સ્તનપાન એ પ્રાણી સહજ કુદરતી પ્રક્રિયા હોવા છતા કેટલાક નિયમો અને યોગ્ય પધ્ધતિ પૂર્વક ન કરાવાય તો તેના સંપૂર્ણ લાભ પ્રાપ્ય થતા નથી અને થોડા સમયમાં જ શિશુને સ્તનપાન સિવાય અન્ય દૂધ કે અન્ય ખોરાકની જરુરીયાત ઉભી થઈ જાય છે. આવુ કરવાના ખૂબ ગંભીર અને માઠા પરિણામો ઘણી વાર શિશુ એ ભોગવવા પડે છે.

સ્તનની રચના

સ્તન મુખ્યત્વે રચનાકિય રીતે દૂધ ઉત્પાદક ગ્રંથિ ઓ અને તેનું વહન કરતી નલિકાઓ તથા તેને ટેકો આપતી ચરબી ધરાવે છે. દૂધ પેદા કરતી ગ્રંથિ માંથી દૂધ નાની વહન નલિકા (lactiferous duct) દ્વારા એક કોથળીનુમા ભાગ (lactiferous sinus)માં આવે છે. ત્યારબાદ નાની નલિકાઓ દ્વારા નીપલ વાટે બાહર આવે છે.

બાહ્ય રીતે જોઈએ તો સ્તનની રચનામાં મુખ્યત્વે ગોળાકાર ભાગ અને ડિંટડી(નીપલ) દેખાય છે. આ ડિંટડી કે નીપલ ફરતે કાળી ચામડી સ્તન પર દેખાય છે જેને એરીઓલા(areola) કહે છે.

સ્તનપાન માટે જરુરી સિધ્ધાંતો

 1. શિશુને યોગ્ય રીતે છાતી પર વળગાડો.

 2. શિશુને યોગ્ય રીતે ટેકો આપો અને પકડો.

 3. સ્તનપાન વખતે શિશુ દૂધ યોગ્ય રીતે ગળે ઉતારે છે કે નહિ તે જુઓ.

 4. ધીરજ પૂર્વક શિશુને કરવુ હોય એટલી વાર સ્તન પાન કરવા દો.

 5. સ્તનપાન માટે એક હકારાઅત્મક અભિગમ રાખો.

 6. કોઈપણ તકલીફ માટે જાતે નિર્ણય ન લો પણ વિશેષજ્ઞની સલાહ લો.

શિશુને યોગ્ય રીતે છાતી પર વળગાડવાની રીત

આ માટે ચાર મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખો

 1. શિશુની દાઢી માતાના સ્તન ને અડકતી હોય.

 2. શિશુનું મુખ સંપૂર્ણ ખુલ્લુ હોય.

 3. માતાના સ્તનનો કાળી ચામડી(areola)નો ઘણો ખરો ભાગ શિશુના મુખ ની અંદર હોય.

 4. શિશુનો નીચલો હોઠ બાહરની તરફ વળેલો હોય.

ઉપર જણાવ્યા મુજબ શિશુને સ્તન સમક્ષ લેવાથી શિશુની સ્તન પર પકડ બરાબર રહે છે. એરીઓલા નીચેના દૂધની કોથળીઓ (lactiferous sinus) બરોબર દબાવાથી દૂધ નો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. આવુ થવુ ખૂબ જરુરી છે. ઘણી માતાઓ સ્તનપાન વખતે શિશુને માત્ર નીપલ મોંમાં આપે છે જેથી શિશુને પૂરતુ દૂધ મળતુ નથી અને શિશુ લાંબો સમય ચૂસ્યા કરે છે છતા પણ ભૂખ સંતોષાતી નથી અને દર એકાદ કલાકે ફરી સ્તનપાન માટે રડે છે. વળી શિશુ નીપલ પર દબાણ કરે છે તેથી માતાને નીપલમાં ઈજા પહોંચે છે અને દુઃખાવો થાય છે. જેમાં ક્યારેક ચેપ થવાથી સ્તનમાં ગાંઠ કે રસી થઈ શકે છે. આમ ખોટી રીતે વળગાડવાથી શિશુ અને માતા બન્નેને નુકશાન થાય છે અને સરવાળે સ્તનપાન માં મુશ્કેલી સર્જાતા માતા અન્ય વિકલ્પ તરફ વળે છે અને શિશુ માટે વધુ જોખમો નોતરે છે.

શિશુને સ્તનપાન માટે કેવી રીતે પકડશો અને ટેકો આપશો ?

ભારતીય પધ્ધતિ – શિશુને પકડતી વખતે માતાએ ટટ્ટાર સીધા બેસવુ. માતાનો હાથ કોણી થી વળેલો હોય જેના પર શિશુનું માથુ આવે- શિશુની ડોક અને કમરને માતાના હાથનો સંપૂર્ણ ટેકો મળે અને શિશુના કુલાનો ભાગ માતાની હથેળી માં આવે તથા બીજા હાથ વડે શિશુના પગને ટેકો આપે અથવા પોતાના સ્તનને પણ પકડી શકે.

સમગ્ર સ્તનપાન પ્રક્રિયા દરમ્યાન માતાએ શિશુની સમક્ષ જોતા રહેવુ કે વાત કરતા રહેવુ જોઈએ. સ્તન પાન દરમ્યાન અન્ય પ્રવૃતિમાં ધ્યાન ન આપવુ.

આ સિવાયની અન્ય પધ્ધતિ પણ છે જેમકે – ક્રોસ ક્રેડલ, ફૂટબોલ વિગેરે.

સ્તનપાન ની શરુઆત કેમ કરવી – બાળકને છાતી પર કેમ વળગાડશો ?

શિશુનો હોઠ અને તેની આસપાસનો ભાગ સ્પર્શ માટે ખૂબ સંવેદનશીલ હોય છે. અને ત્યાં કોઈપણ વસ્તુ નો સ્પર્શ થાય તો શિશુ મોં ખોલીને તે તરફ વળે છે. આ એક કુદરતી કુનેહ છે જે તેને ખોરાક મેળવવા માટે સહાય ભૂત છે.

આ નૈસર્ગિક ક્રિયાનો લાભ લેતા સૌ પ્રથમ શિશુને યોગ્ય રીતે પકડો અને ટેકો આપો. ત્યારબાદ માતા પોતાના સ્તનની ડિંટડી કે નીપલ નો સ્પર્શ શિશુ ના ઉપલા હોઠ પર કરાવે છે. આમ કરતાજ શિશુ પોતાની મોં ખોલે છે. માતા ત્યાર બાદ થોડી વાર શિશુ પોતાની મ્હોંફાટ સંપૂર્ણ ખોલે તેની રાહ જોવે છે. જેવી શિશુની મ્હોંફાટ પહોળી ખોલે કે માતા પોતાના સ્તનનો નીપલ અને એરીઓલાનો ઘણો ખરો હિસ્સો તેના મોંમાં આવે તે રીતે તેને છાતી પર લે છે. આ માટે વળગાડવાના તમામ મુદ્દાનું તે પાલન કરે છે.

શું સ્તનપાન શિશુ માટે પૂરતુ હશે ?

સ્તનપાન કરાવતી બધી માતાને કયારેકને ક્યારેક એકવાર તો શું મારુ દૂધ પૂરતુ તો હશે ને ….. ?? એવો વિચાર આવતો જ હોય છે. આવુ બનવુ તદ્દન સ્વાભાવિક છે. કારણકે માતા હંમેશા પોતાના શિશુની બહેતરી વિશેજ વિચારતી હોય છે. આજ કારણ છે કે તે ક્યારેક જાતે ક્યારેક ટી.વી. વિજ્ઞાપનો થી દોરવાઈને તો ક્યારેક પડોશણની સલાહ મુજબ પોતાના ધાવણની પૂર્તતા પર શંકા કરે છે. મુશ્કેલીની સાચી શરુઆત ત્યારે થાય છે જયારે આ નકારાત્મક વિચારો અને ચિંતાની અસરથી સ્તનમાં દૂધના ઉત્પાદન માટે જરુરી અંતઃસ્ત્રાવો નો મગજમાંથી સ્ત્રાવ ઘટી જાય છે અને ખરેખર દૂધનુ પ્રમાણ ઘટી જાય છે.

બીજી બાજુ ક્યારેક આવા નકારાત્મક વિચારો થી કંટાળી માતાઓ ક્યારેક ખરેખર બીજુ દૂધ ઉપરથી આપવા માંડે છે. આ દૂધ ચમચી-વાટકી કે બોટલથી અપાય છે. આ બંને રીત શિશુ માટે સ્તનપાન કરવાથી ઘણી આસાન છે આથી થોડા દિવસોમાં શિશુને આ સરળ અને આરામદાયક વિકલ્પ પસંદ પડી જાય છે…! અને એ પણ સ્તનપાન માટેની તસ્દી લેવાનું માંડી વાળે છે. શિશુ સ્તનપાન ન કરે કે ઓછુ કરે તો માતાને પણ ધીરે ધીરે ધાવણનું ઉત્પાદન બંધ થઈ જતા વાર નથી લાગતી. આમ એક નિરાધાર વિચાર ખરેખર સાચો બની જાય છે…!

આવો વિચાર આવે તો શું કરશો ??

 1. શિશુનો વિકાસ જુઓ – શિશુનું જન્મ સમયે થયેલુ વજન અને ઉંચાઈને જન્મ પછી જે તે દિવસે શિશુના વજન અને ઉંચાઈ સાથે ચકાસો. જો શિશુનું વજન 15થી 45 ગ્રામ પ્રતિ દિન વધેલુ જણાય તો આપનું ધાવણ શિશુને માટે પૂરતુ છે. જો શિશુનું વજન આથી ઓછુ વધ્યુ હોય તો ડોક્ટરની સલાહ તાત્કાલિક લો.

 2. શિશુનું રોજીંદી દિનચર્યા જુઓ – જો શિશુ ધાવ્યા પછી બે થી ત્રણ કલાક સુતુ હોય. ચોવીસ કલાક્માં સાત- આઠ વાર પેશાબ કરતુ હોય અને ઓછામાં ઓછુ એક-બે વખત મળવિસર્જન કરતુ હોય તો ચોક્ક્સ તેને મળતુ ધાવણ પૂરતુ છે.

 3. સ્તનપાનની ટેકનીક તપાસો

 4. કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા વિશેષજ્ઞની સલાહ લો.

 5. ઈશ્વર અને પોતાની જાત પર ભરોસો રાખો અને એક “પોઝીટીવ એટીટ્યુડ” કેળવો.

 6. પૂરતુ પાણી પીવો અને યોગ્ય ખોરાક લો. તથા આરામ કરો.

By Original Auther Dr. Maulik Shah ( Consultant Pediatrician at Jamnagar Medical Collage )